સિધ્ધપુર - ખેરાલુ અને વડનગર એસ.ટી.બસ ના નવા રૂટ શરૂ કરવા માંગ : જાણો - કોણે કરી રજૂઆત ?

સિધ્ધપુર - ખેરાલુ અને વડનગર એસ.ટી.બસ ના નવા રૂટ શરૂ કરવા માંગ : જાણો - કોણે કરી રજૂઆત ?

સિદ્ધપુર - ખેરાલુ ના નવા એસ.ટી.રૂટ શરૂ કરવા માંગ

બપોરે 3.00 વાગ્યા થી 6.00 વાગ્યા વચ્ચે કોઈ બસ સુવિધા નથી.

બપોરે 3.00 વાગે જતી ખેરાલુ બસ ને વડનગર સુધી લંબાવવામાં આવે તેમજ ઝડપથી નવા રુટ શરૂ કરવામાં આવે : મૌલિક પટેલ, ભારતીય જનસેવા મંચ

મુસાફરોએ ના છુટકે ખાનગી વાહનો માં મસ મોટા ભાડા ચૂકવી જીવન જોખમે કરવી પડે છે સવારી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : સિધ્ધપુર થી ખેરાલુ તરફ જવા માટે બપોરે 3 વાગ્યા થી 6 વાગ્યાની વચ્ચે એક પણ એસટી બસની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે મુસાફરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને ખેડૂતોને ભારે હાલાકી પડે છે. ત્યારે સમય મુજબ સિદ્ધપુર - ખેરાલુ ના નવા એસ.ટી.રૂટ શરૂ કરવાની ઉગ્ર માંગ ઉઠી છે. આ ઉપરાંત વડનગર થી સુરત જવા ટ્રેન પકડવા માટે પણ ખેરાલુ થઈ વડનગર સુધી એસટી બસ લંબાવવામાં આવે એવી ભારતીય જનસેવા મંચ સંગઠન ના કન્વીનર મૌલિક પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે.

' સસ્તું ભાડું અને સિદ્ધપુરની જાત્રા ' કહેવત ખૂબ જ પ્રચલિત છે, ત્યારે સિદ્ધપુર એ મહત્વના શહેરોને જોડતુ કડીરૂપ શહેર છે. સિધ્ધપુર સાથે તેની આસપાસ આવેલા પાટણ, વડગામ તેમજ ખેરાલુ રોડ પરના મહત્વના ગામડાઓમાંથી વેપારીઓ મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ નો સતત ઘસારો રહેતો હોય છે. વળી સિધ્ધપુરને સસ્તુ બજાર માનવામાં આવે છે, તેથી દૂર દૂરથી લોકો અહીં ખરીદી કરવા માટે આવે છે. આ ઉપરાંત સિદ્ધપુર એ મહત્વનું કૃષિ પેદાશો અને શાકભાજી માટેનું ગંજ બજાર છે. જેને લઇ ખેરાલુ, વડગામ અને પાટણ ના ખેડૂતો, વેપારીઓ અને ધંધાર્થી લોકોનો સતત ઘસારો રહે છે.

ત્યારે સિધ્ધપુર થી પાટણ જવા માટે ઘણી બધી એસટી બસોની રૂટ સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ સિદ્ધપુર થી ખેરાલુ તરફ જવા માટે બપોર પછી ખૂબ જ ઓછી એસટી બસોની સુવિધાઓ હોવાને કારણે બપોરે પછી ખેરાલુ તરફના નવા એસ.ટી રૂટ શરૂ કરવા માટેની માંગ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સિધ્ધપુર થી ખેરાલુ તરફ બપોરે 3.00 વાગ્યા પછી છેક 6.00 વાગે બીજી બસની સુવિધા ઉપલબ્ધ છે. આમ વચ્ચે ત્રણ કલાક સુધી ખેરાલુ તરફ જવાની સીધી કોઈ પણ બસ ન હોવાને કારણે મુસાફરોએ ના છૂટકે ખાનગી વાહનોમાં જવું પડે છે અને મસમોટા ભાડા ચૂકવવા પડે છે.

 વળી બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના વતન વડનગર થી સુરત તરફ જવા માટેની ટ્રેન વ્યવસ્થા શરૂ કરાઇ છે ત્યારે આ વિસ્તારમાં રહેતા લોકો સુરત તરફ જવા માટે ટ્રેન સેવાનો મહત્તમ ઉપયોગ કરે છે. ત્યારે વડનગર થી સુરતની આ ટ્રેન પકડવા માટે સમયસર પહોંચી શકાય તે પ્રમાણે ખેરાલુ થઈ વડનગર સુધી એસટી રુટ યોગ્ય સમય પ્રમાણે શરૂ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.