સી.આર.પાટીલની આંખોમાં ધૂળ ? સરકારી કોવિડ કેર સેન્ટરને પોતાના નામે ચડાવનાર ભાજપનો કોણે કર્યો પર્દાફાશ ?

સી.આર.પાટીલની આંખોમાં ધૂળ ? સરકારી કોવિડ કેર સેન્ટરને પોતાના નામે ચડાવનાર ભાજપનો કોણે કર્યો પર્દાફાશ ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના ) :  કોરોના કહેર વચ્ચે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલા કોવિડ કેર આઇસોલેશન સેન્ટરો માં મળેલી સફળતા બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા પણ ભાજપના નેતાઓને ઠેરઠેર કોવિડ કેર સેન્ટરો શરૂ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા હતા. પરંતુ કેટલાક ભાજપના નેતાઓએ પાટીલના આદેશોને મજાક બનાવી દીધા હતા અને પાટીલની આંખોમાં ધૂળ નાખવાના પ્રયત્નો કર્યા હોવાનો એક કિસ્સો બહાર આવ્યો છે.

કોરોનાની મહામારી માં પણ ભાજપ સસ્તી પ્રસિદ્ધિ લેવાનો એક પણ ચાન્સ જતો કરતો નથી. ત્યારે મીડિયા અહેવાલ મુજબ, તાજેતરમાં વિસાવદર કન્યાશાળામાં બનાવાયેલ કોવિડ આઇસોલેશન સેન્ટર કે જે સરકાર દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે ભાજપે પોતાના નામે ચડાવી દીધું હતું. ત્યારે સરકારી અધિકારીઓએ તેનો ખુલાસો કરતા વધુ એકવાર ભાજપ ની આબરૂ ને કાળો ધબ્બો લાગ્યો છે.

વિસાવદર હેલ્થ અને પ્રાંત કચેરી ની માગણીથી કન્યાશાળામાં covid સેન્ટર શરૂ કરવામાં આવેલું જેમાં ઓક્સિજન માટે ચાર મશીન મુકવામાં આવ્યા હતા. તેમાંથી બે મશીન વિસાવદર સરકારી હોસ્પિટલના અને એક મશીન બીલખા સરકારી હોસ્પિટલનું અને એક મશીન સંસ્થાનું છે. આ ઉપરાંત દર્દીઓ માટે બેડ, જમવા અને ઉકાળા માટેની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. તેમજ તબીબી અને મેડિકલ સ્ટાફ પણ સરકારી છે અને હમણાં જ પાંચ ઓક્સિજનના મોટા સિલિન્ડરો પણ સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા એમ વિસાવદર તાલુકાના હેલ્થ ઓફિસરે મીડિયાને જણાવ્યું હતું.

બીજી તરફ વિસાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ ડોબરીયા એ આ કોવીડ સેન્ટરનો જશ જિલ્લા ભાજપને આપવાના પ્રયત્નો કર્યા હતા. અને આ સેન્ટર પર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પાંચ ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. એટલું જ નહીં આ covid સેન્ટરનું ઉદઘાટન થયું ત્યારે ભાજપના દરેક હોદ્દેદારો એ ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. તો વળી તાલુકા ભાજપ પ્રમુખ હરીભાઇ રીબડીયા એ જણાવ્યું હતું કે ભાજપ પરિવારે આ કોવીડ સેન્ટર ઉભું કર્યું છે.

જોકે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા કોવિડ સેન્ટર સરકારી હોવાનું ખુલાસો કરતાં ભાજપના જૂઠાણાનો પર્દાફાશ થયો હતો. ગત 17 એપ્રિલ થી કન્યા શાળામાં શરૂ થયેલ સરકારી કોવિડ સેન્ટરને આજદિન સુધી ભાજપે પોતાના નામે ચડાવી દીધું હતું. પરંતુ પાપ છાપરે ચડીને પોકારે એમ ભાજપના નેતાઓનો ભાંડો ફૂટી જતાં  ભાજપ ની આબરૂ ધૂળધાણી થઈ ગઈ છે.