Exclusive: રામાયણ રહસ્ય : કોના શ્રાપને કારણે રામે સીતાનો વિયોગ સહન કરવો પડ્યો ? માત્ર વાનરોની જ કેમ મદદ લેવાઈ ?

Exclusive: રામાયણ રહસ્ય : કોના શ્રાપને કારણે રામે સીતાનો વિયોગ સહન કરવો પડ્યો ? માત્ર વાનરોની જ કેમ મદદ લેવાઈ ?

આવતીકાલે એટલે કે 22 મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામ ના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં રામભક્તિનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. લોકો રામભક્તિ અને રામાયણના પ્રસંગો ઉપર પોત પોતાની રીતે પોતાની અભિવ્યક્તિઓ ની ભક્તિ અને આસ્થા રજૂ કરી રહ્યા છે.સમગ્ર દેશમાં ઠેર ઠેર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે રામ અને સીતાજીના જીવન વિશેનો એક વિશિષ્ટ પ્રસંગ અમો આપની સામે રજૂ કરીએ છીએ.

રામ પોતે ભગવાન હતા છતાં પણ તેમણે સીતા માતા થી કેમ વિખૂટા પડવું પડ્યું ? એના પાછળનું શું કારણ હોઈ શકે છે ? એ જાણવા માટે અમે તમને સંભળાવીશું રામચરિત માનસનો એક વિશેષ પ્રસંગ. રામચરિત માનસમાં જણાવ્યા મુજબ રામ અને સીતાના વિયોગ પાછળનું કારણ નારદજીને માનવામાં આવે છે. ત્યારે વિસ્તૃત માહિતી માટે વાંચો આ વિશેષ પ્રસંગ....

રામચરિત માનસમાં વર્ણવ્યા મુજબ, નારદજી એકવાર રાજા શીલાનિધિના મહેલમાં ગયા હતા અને તેમને રાજકુમારી ' શ્રીમતિ 'ના સ્વયંવર વિશે જાણ કરવામાં આવી હતી. તે રાજકુમારીને જોઈને તેના પ્રેમમાં પડી ગયા અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ.પછી રાજકુમારીનું નસીબ વાંચીને નારદજીને ખબર પડી કે જે પણ વ્યક્તિ રાજકુમારી સાથે લગ્ન કરશે તે ત્રણ લોકનો રાજા બનશે. તરતજ લોભ અને મોહ માં ફસાયેલ નારદજી મદદ માટે વિષ્ણુ ભગવાન પાસે ગયા અને વિનંતી કરી કે પોતાને વિષ્ણુના અવતાર 'હરિ' જેવું સ્વરૂપ આપો.જેથી તે સમારંભમાં સૌથી સુંદર રાજકુમાર બને અને રાજકુમારી તેમને તેના સાથી તરીકે પસંદ કરે.

આખરે ‘સ્વયંવર’નો દિવસ આવી પહોંચ્યો. શાહી અવતારમાં સજ્જ નારદ આત્મવિશ્વાસપૂર્વક સમારોહમાં ચાલ્યા. તે જાણતા હતા કે તે સૌથી સુંદર છે અને રાજકુમારી તેમને જ પસંદ કરશે. પરંતુ સ્વયંવરમાં વરમાળા પહેરાવવા આવેલી રાજકુમારી નારદજી નો ચહેરો જોઈને ખડખડાટ હસી પડી અને ત્યાંથી ચાલી ગઈ અને છેલ્લા ઉભેલા રાજા એવા ભગવાન વિષ્ણુને માળા પહેરાવી દીધી. આ નારદને સારું ન લાગ્યું અને તેમણે રાજકુમારીને કહ્યું કે પોતે માળાને લાયક છે. નારદની આ વાત સાંભળીને સમારંભમાં સૌ ઉપસ્થિત લોકોએ નારદજીની મજાક ઉડાવી અને નારદજીને પોતાનું મોઢું અરીસામાં જોવા માટે કહ્યું.

 નારદજીએ જ્યારે પોતાનું મોઢું અરીસામાં જોયુ ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ કારણ કે, તેઓ સુંદર દેખાતા રાજકુમાર નહોતા પણ વાનર દેખાતા હતા. કમનસીબે, નારદ એ હકીકતથી અજાણ હતા કે વિષ્ણુના બીજા નામ ‘હરિ’ નો અર્થ પણ ' વાંદરો ' હતું. નારદજી ગુસ્સે થયા અને ભગવાન વિષ્ણુને આ પાછળનું કારણ પૂછ્યું. નારદજી એ કહ્યું, “મેં તમને મને સૌથી સુંદર રાજકુમાર બનાવવા કહ્યું હતું પણ તેના બદલે તમે મને વાંદરો બનાવી દીધો. અને તમારા કારણે મેં મારા જીવનનો પ્રેમ ગુમાવી દીધો છે.” આમ ભગવાન વિષ્ણુ ની આ હરકતથી નારદજીને ખૂબ જ ગુસ્સો આવી ગયો.

પાછળથી તેમણે વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો કે, " તમારે પણ મારી જેમ પત્નીના વિરહની પીડા ભોગવવી પડશે અને તમને તમારી પત્ની સાથેના મિલાપ માટે વાંદરાઓની જ મદદ લેવી પડશે." જેના પર વિષ્ણુએ હસીને શ્રાપ સ્વીકારી લીધો. તેમણે કહ્યું કે, " તેઓ જ્યારે પૃથ્વી લોક પર મનુષ્ય તરીકે જન્મ લેશે અને દેવી લક્ષ્મી તેની પત્ની હશે ત્યારે તેઓ આ પીડા અનુભવશે." અને આ જ હતું ભગવાન રામ અને માતા સીતાના અલગ થવા પાછળનું કારણ.