PMના મુખ્ય ત્રણ ધ્યેયને લીધે ગુજરાત મજબુત ભવિષ્ય માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમઃ CM

PMના મુખ્ય ત્રણ ધ્યેયને લીધે ગુજરાત મજબુત ભવિષ્ય માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમઃ CM

Mnf network:  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગ્રીન ગ્રોથ અને એનર્જી ટ્રાન્ઝીશનનાં જે ત્રણ મુખ્ય આધાર કહ્યાં છે તેમાં લીડ લઈને ગુજરાત સસ્ટેઇનેબલ ફ્યુચર માટે દેશનું નેતૃત્વ કરવા સક્ષમ છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાને આપેલા ત્રણ ધ્યેય - રિન્યૂએબલ ઊર્જાનું ઉત્પાદન વધારવું, ઇકોનોમીમાં ફોસીલ ફ્યૂઅલનો ઉપયોગ ઘટાડવો અને ગેસ આધારિત ઇકોનોમી તરફ આગળ વધવા - માટે ગુજરાત સતત પ્રયાસરત છે.

મુખ્યમંત્રી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના બીજા દિવસે આયોજિત "રિન્યૂએબલ એનર્જી - પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર"માં સહભાગી થયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપ અંગે તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનએ સમય કરતાં હંમેશા બે કદમ આગળનું વિચાર્યું હતું. જ્યારે દેશમાં સોલાર એનર્જીની ફક્ત વાતો થતી હતી ત્યારે ગુજરાતમાં ચારણકાનાં રણ પ્રદેશમાં એશિયાના પ્રથમ સોલાર પાર્કનો પાયો નાખ્યો હતો. ફોસિલ ફ્યુઅલ આધારિત વીજ ઉત્પાદન પરની નિર્ભરતા ઘટાડીને સૌર તથા બિનપરંપરાગત ઊર્જાથી ઊર્જા આત્મનિર્ભરતાની વડાપ્રધાનની નેમ ગુજરાતે બે દાયકામાં સાકાર કરી છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાં નેતૃત્વમાં વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચરના વિચાર સાથે ગ્રીન ગ્રોથને પ્રાધાન્ય આપીને ભારતે ઇકોનોમી અને ઇકોલોજીનું બેલેન્સ જાળવીને વિશ્વને મોટું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. તાજેતરમાં ભારતની જી-20 પ્રેસીડેન્સી હેઠળ બધા દેશોએ સસ્ટેનેબલ ફ્યુચર માટે ગ્રીન ડેવલપમેન્ટ પેક્ટ પર સહમતી દર્શાવી છે.