ગુજરાતમાં તૌકતે નો તરખાટ : ક્યાંક છાપરા ઉડ્યા, વૃક્ષો ધરાશયી થયા તો વળી ક્યાંક મોબાઈલ ટાવર તૂટ્યો, દરિયો બન્યો ગાંડોતૂર

ગુજરાતમાં તૌકતે નો તરખાટ : ક્યાંક છાપરા ઉડ્યા, વૃક્ષો ધરાશયી થયા તો વળી ક્યાંક મોબાઈલ ટાવર તૂટ્યો, દરિયો બન્યો ગાંડોતૂર

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : તૌકતે વાવાઝોડું જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વધુ પ્રભાવી બનતું જાય છે. હાલ વાવાઝોડાની અસર દરિયાઇ વિસ્તારમાં જોવા મળી રહી છે. જેમાં સોમનાથ, વેરાવળ, નવસારી, પોરબંદર, વલસાડ અને દિવ સહિતના તમામ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. 3 મીટર જેટલી ઊંચાઈના મોજા ઉછળી રહ્યાં છે. જેમાં સૌથી વધુ અસર દિવના દરિયામાં જોવા મળી રહી છે.

ગીર સોમનાથમાં વાવાઝોડાની અસર શરૂ, ઉનાનાં નવાબંદર વિસ્તારમાં 2 મકાન ધરાશાયી, ભારે પવનના કારણે 2 બોટની જળસમાધી તેમજ એક મોબાઈલ ટાવર ધરાશયી થયો છે.

મળતા અહેવાલો મુજબ, ઉનામાં તોફાની પવન ચાલી રહ્યો છે. જેથી NDRF, પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ થયા છે. ભારે પવનને કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે અને ધીમી ધારે વરસાદ પણ શરૂ થયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડા તાઉ-તે ઉના તાલુકાનાં નવાબંદર, સૈયદરાજપરા બંદરમાં તોળાયેલા ખતરા વચ્ચે તોફાની પવન સાથે ભારે વરસાદ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી લેતાં દરિયો અતિ તોફાની બની ગયો છે. તેમજ તબાહી શરૂ કરી દીધી છે. દરિયાઈ સીમાથી કાંઠે દોરડે બાંધેલી બોટો ડૂબાડી દેતાં ભારે નુકસાન થયું છે. સુસવાટા મારતા પવનની લહેર લીલાં વૃક્ષોનો સોથ વાળી રહી છે. ઝૂંપડા અને કાચાં મકાનોનાં નળિયા ઉડી રહ્યાં છે. અને પવનનાં કારણે વીજ પુરવઠો બંધ કરી દેવાયો છે અને અંધારપટ્ટ છવાયો છે.