ગુજરાતમાં રાજકીય અટકળો તેજ : શુ પાટીલને હટાવી માંડવીયાને બનાવાશે પ્રદેશ અધ્યક્ષ ? જાણો હકીકત

ગુજરાતમાં રાજકીય અટકળો તેજ : શુ પાટીલને હટાવી માંડવીયાને બનાવાશે પ્રદેશ અધ્યક્ષ ? જાણો હકીકત

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  તાજેતરમાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પાટીલને ટૂંક સમયમાં ભાજપના અધ્યક્ષ પદેથી હટાવવામાં આવશે એવું ટ્વીટ કરતા જ ભાજપમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ હતી. જોકે યોગાનુંયોગ આ સમયે ભાજપના પ્રભારી બી એલ સંતોષ અને ભૂપેન્દ્ર યાદવ એ પણ ગુજરાતની મુલાકાતે હતા. આ ઉપરાંત થોડાક સમય પહેલા બે મંત્રીઓ પાસેથી એકાએક તેમના ખાતાઓ આંચકી લેવામાં આવ્યા હતા. આ બધી યોગાનુયોગ બનેલી ઘટનાઓને લઈને અનેક તર્ક વિતર્ક શરૂ થઈ ગયા હતા.

ત્યારે મંત્રીઓની વધુ ફેરબદલ નહિ થાય એવી અટકળો વચ્ચે હવે એવી અફવાઓનું બજાર ગરમ થઈ રહ્યું છે કે ભાજપ સંગઠનમાં મોટાપાયે પરિવર્તન કરવામાં આવશે અને ખુદ પ્રદેશ અધ્યક્ષ પાટીલને હટાવવામાં આવશે. છેલ્લાં કેટલાંક દિવસથી સંગઠનના એક ઉચ્ચ હોદ્દેદારના નજીકના લોકો અને એક મંત્રીના પી.એ. રડાર પર હોવાની અફવાઓ પણ ચગતી રહી.

સમાંતરે એક એવી અફવા પણ રાજકીય વર્તુળોમાં ગરમાગરમ ભજીયાની જેમ પીરસાઈ રહી છે. એ મુજબ, કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાના પી.એ. છેલ્લાં એક અઠવાડિયાથી ગાંધીનગરમાં છે. એ જોતાં પાટીલને હટાવીને માંડવિયાને પ્રદેશપ્રમુખ બનાવવામાં આવશે અને આગામી ચૂંટણીમાં મુખ્યમંત્રીનો ચહેરો પણ એ જ હશે. જોકે પાટીલના નેતૃત્વ વાળી ભાજપ સામે આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે, જેને લઈને ખુદ પ્રધાનમંત્રી મોદી પણ ક્યાંક ને ક્યાંક નારાજ હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

આવી જાતભાતની અફવાઓ વચ્ચે ભાજપના આંતરિક વર્તુળોના દાવા મુજબ, અફવાઓ ચગે એ જ ભાજપ હાઈકમાન્ડનો હેતુ છે. આ વર્તુળો મીડિયાને સામો સવાલ કરતાં પૂછે છે કે વિજય રૂપાણીના સ્થાને મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ એકે ય પડીકામાં હતું? પડીકાઓ ગમે તે ફરતાં રહે, છેવટે ધાર્યું તો મોદી-શાહનું જ થવાનું છે !!!