રૂપાણી સરકારની લાલીયાવાડી : નિઃસંતાન, અપંગ, વિધવા મહિલાની 'વિધવા સહાય' યોજનાનો લાભ મેળવવા માટેની દર્દ ભરી કહાની, કિસ્સો વાંચી તમને સરકાર સામે આવશે ગુસ્સો

રૂપાણી સરકારની લાલીયાવાડી : નિઃસંતાન, અપંગ, વિધવા મહિલાની 'વિધવા સહાય' યોજનાનો લાભ મેળવવા માટેની દર્દ ભરી કહાની, કિસ્સો વાંચી તમને સરકાર સામે આવશે ગુસ્સો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : સરકાર દ્વારા વિધવા મહિલાઓને મોંઘવારીમાં મદદરૂપ થાય તે માટે વિધવા સહાય યોજના શરૂ કરવામાં આવી હતી પરંતુ હજુ પણ એવી કેટલીય મહિલાઓ છે જેમને વિધવા સહાય યોજના નો પૂરેપૂરો લાભ મળતો નથી જેના પાછળ ક્યાંક ને ક્યાંક બાબુઓની 'સાહેબ ગીરી' પણ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જેની પ્રતીતિ કરાવતો એક કિસ્સો મહેસાણાના વિસનગર તાલુકામાં બનવા પામ્યો છે જેમાં એક નિઃસંતાન અપંગ વિધવા મહિલા છેલ્લા બે વર્ષથી વિસનગર મામલતદાર કચેરીઓના અધિકારીઓની બેદરકારીના કારણે વિધવા સહાય પેન્શન મેળવી શકી નથી. જોકે આ અપંગ બની ગયેલ વિધવા મહિલાને ગામના સામાજિક કાર્યકર્તાઓ ખાટલામાં ઊંચકીને વિસનગર મામલતદાર કચેરીએ લાવતા અધિકારીઓના અણઘડ વહીવટ ની પોલ ખૂલી ગઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા વાલમ ગામમાં રહેતા 57 વર્ષીય વૃદ્ધા શાંતાબેન મંગાજી ઠાકોર જેઓ નિઃસંતાન છે. તેમજ મજૂરી કરી પોતાનું જીવન ગુજારી રહ્યાં હતાં. 2005માં વૃદ્ધાના પતિનું અવસાન થયું હતું. ત્યાર બાદ આ વૃદ્ધાના પરિવારમાં આગળપાછળ કોઈના હોવાથી તેઓ છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં છે. આ વૃદ્ધાએ વિધવા સહાય પેન્શન મેળવવા માટે 22 માર્ચ 2019માં અરજી કરી હતી. અને 9 એપ્રિલ, 2019ના રોજ આ અરજી મંજૂર થઈ હતી. પરંતુ વીસનગર માંમલતદાર કચેરીના અણઘડ વહીવટ તેમજ આળસુ અધિકારીઓને કારણે બે વર્ષ થઈ ગયાં હોવા છતાં આ વૃદ્ધાને આજદિન સુધી વિધવા સહાયનો લાભ મળ્યો નથી.

વૃદ્ધાએ ગામલોકોના સહયોગથી વીસનગર મામલતદાર કચેરીમાં આ મામલે અનેકવાર રજૂઆતો કરી હતી. પરંતુ સરકારી બાબુઓએ આ વાતને ધ્યાનમાં લીધી ન હતી. ગામલોકોએ ચાર-ચાર વાર વિધવા સહાયના મંજૂરીપત્રો અને પોસ્ટ ખાતાની ચોપડીની ઝેરોક્સ તેમજ વૃદ્ધાના તમામ ડોક્યુમેન્ટ આપ્યા હોવા છતાં સરકારી બાબુઓ કોઈને કોઈ બહાના બતાવી પોતાનો બચાવ કરી આ મામલામાંથી છટકી રહ્યા હતા.

જ્યારે તાજેતરમાં વૃદ્ધ શાંતાબેન મજૂરી કરતાં હતાં. ત્યારે પડી જવાને કારણે કમર ક્રેક પડવાને કારણે હવે ચાલી શકતાં નથી. અને પથારીવશ થઈ ગયાં છે, જેથી તેમને પોતાનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. જેથી તેઓ ખાવા માટે પણ કોઈ ને કોઈ વ્યક્તિનો સહારો લેવા મજબૂર બન્યાં છે. જેથી વાલમ ગામના સામાજિક કાર્યકર્તાઓ ખાટલાવશ વૃદ્ધાને ખાટલામાં જ ઉપાડી વિસનગર પ્રાંત કચેરી રજૂઆત કરવા લાવ્યા હતા. અને અધિકારીનું આ મામલે ફરીવાર ધ્યાન દોર્યું હતું.ત્યારે છેવટે બે આબરૂ બનેલ અધિકારી રાજના બાબુએ 10 દિવસમાં આવતા માસથી ભેગું પેન્શન મળી જશે એમ જણાવ્યું હતું.