શેખ હસીનાએ પાંચમી વખત લીધા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી પદના શપથ

શેખ હસીનાએ પાંચમી વખત લીધા બાંગ્લાદેશના પ્રધાનમંત્રી પદના શપથ

Mnf network: શેખ હસીનાએ પાંચમી વખત બાંગ્લાદેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) અને તેના સાથી પક્ષો દ્વારા ચૂંટણીના બહિષ્કાર વચ્ચે 7 જાન્યુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેમની પાર્ટી અવામી લીગે મોટી જીત નોંધાવી હતી.

રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને રાષ્ટ્રપતિ મહેલ બંગભવનમાં આયોજિત સમારોહમાં 76 વર્ષીય હસીનાને વડાપ્રધાન પદના શપથ લેવડાવ્યા હતા. આ દરમિયાન નેતાઓ, વિદેશી રાજદ્વારીઓ, નાગરિક સમાજની હસ્તીઓ અને વરિષ્ઠ સૈન્ય અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. શેખ હસીના બાંગ્લાદેશના 12મા વડાપ્રધાન તરીકે કાર્ય કરશે.

વડાપ્રધાન પદના શપથ લીધા બાદ કેબિનેટના સભ્યોને રાષ્ટ્રપતિ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. પીએમ શેખ હસીનાની પાર્ટીએ 300 સભ્યોની સંસદમાં 223 બેઠકો જીતી છે. તેમણે પોતાની કેબિનેટમાં 25 કેબિનેટ મંત્રીઓ અને 11 રાજ્ય મંત્રીઓનો સમાવેશ કર્યો છે. શેખ હસીનાની નવી કેબિનેટમાં 14 નવા ચહેરાઓને કેબિનેટ મંત્રી અને 7 રાજ્ય મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. નવા ચહેરાઓમાં બાંગ્લાદેશના પ્રથમ વડાપ્રધાન તાજુદ્દીન અહેમદની દીકરી સિમીન હુસૈન રિમી રાજ્ય મંત્રીઓની યાદીમાં સામેલ છે.