સિદ્ધપુર : ઉદ્યોગ મંત્રીના વિસ્તારમાં જ ભાજપ સરકારની કામગીરીની ખુલી પોલ, વિકાસ ખાડે ગયો !

સિદ્ધપુર : ઉદ્યોગ મંત્રીના વિસ્તારમાં જ  ભાજપ સરકારની કામગીરીની ખુલી પોલ, વિકાસ ખાડે ગયો !
સિધ્ધપુર ખળી ચાર રસ્તા ના ઓવરબ્રિજની ફાઈલ તસવીર સાથે રોડ પર ખાડા પડેલ વર્તમાન બ્રિજ ની તસવીર

ખળી ચાર રસ્તા ના રેલવે ઓવરબ્રિજ પર મસ મોટા ગાબડા

સિધ્ધપુરના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત ને પણ કરાઈ રજૂઆત

રોડ પર ખાડા પડવાથી અકસ્માતની સંભાવના

તત્કાલીન મંત્રી પૂર્ણેશ મોદીએ ઉદ્ઘાટન કર્યાના થોડાક સમય બાદ પણ રોડ પર દેખાયા હતા ખાડા

ઓવરબ્રિજ ના કામમાં ભ્રષ્ટાચારની આશંકા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (દિખા સો લિખા & સુના સો ચુના) : સિધ્ધપુર ખળી ચાર રસ્તા રેલવે ફાટક પર બનાવેલ રેલવે ઓવરબ્રિજનું ગણતરીના મહિનાઓ પહેલા લોકાર્પણ તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ ભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું.ત્યારે હાલના સિધ્ધપુરના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ આ લોકાર્પણ પ્રસંગમાં હાજર રહ્યા હતા પરંતુ હજુ લોકાર્પણ ને ગણતરીના દિવસો જ થયા છે ત્યાં આ રેલવે ઓવરબ્રિજનું કામ ખુબ જ હલકી કક્ષાનું થયું હોય તેવી નિશાનીઓ પ્રગટ થવા લાગી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સિધ્ધપુર ખળી ચાર રસ્તા રેલવે બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી રેલવે બ્રિજ બનાવવાની માંગણી હતી. જેને લઇને ભારતીય જન સેવા મંચ દ્વારા અહીં રેલવે બ્રિજ બનાવવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના સરપંચના સમર્થન વાળો પત્ર તત્કાલિન ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત અને સાંસદ દિલીપભાઇ પંડ્યાને આપવામાં આવ્યો હતો અને ઝડપથી રેલવે બ્રિજ બનાવવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી. જેને લઇને સિદ્ધપુરના તત્કાલિન ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને સાંસદ દિલીપભાઇ પંડ્યા દ્વારા સરકારમાં ધારદાર રજૂઆતો કરાતા અહીં રેલવે બ્રિજ નું સ્વપ્ન સાકાર થયું હતું.

અત્રે નોધનીય છે કે આ ઓવરબ્રિજ પર હાલમાં મસ મોટા ખાડા પડ્યા છે. એટલું જ નહીં આ વિસ્તારના બીલીયાના પૂર્વ સરપંચ દિલીપ પટેલના જણાવ્યા મુજબ, ઓવરબ્રિજની બંને સાઈડના રોડ પર ખાડા પડવાને પરિણામે નાના-મોટા અકસ્માતો થવાની પૂરી આશંકા રહેલી છે. ત્યારે જેમના પ્રયત્નો દ્વારા આ બ્રિજ નું નિર્માણ થયું હત એવા હાલના સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત હાલમાં ભુપેન્દ્ર પટેલની સરકારમાં ઉદ્યોગ મંત્રી નું સ્થાન શોભાવી રહ્યા છે, ત્યારે એક ઉદ્યોગ મંત્રીના વિસ્તારમાં આવી હલકી કામગીરી કેમ સાંખી લેવાય ? તેને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. તાત્કાલિક ઓવરબ્રિજની કામગીરીની તપાસ કરવામાં આવે અને વ્યવસ્થિત રોડ તૈયાર કરવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માગણી છે.