તૌકતે એ સર્જી તારાજી : જુદી જુદી ઘટનાઓમાં 14 ના મોત, ગુજરાત,મહારાષ્ટ્રમાં ભારે અસરો, જુઓ વાયરલ વિડીયો

તૌકતે એ સર્જી તારાજી : જુદી જુદી ઘટનાઓમાં 14 ના મોત, ગુજરાત,મહારાષ્ટ્રમાં ભારે અસરો, જુઓ વાયરલ વિડીયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : તૌકતે વાવાઝોડું આજે ગુજરાતના દરિયા કિનારા સાથે અથડાયું છે જેની ગુજરાતમાં ગંભીર અસરો જોવા મળી રહી છે. ક્યાંક મોબાઈલ ના ટાવર તૂટ્યા છે, ક્યાંક ઘરના પતરા ઉડ્યા છે. તો વળી વૃક્ષો ધરાશાયી થવા સહિત અનેક નાના મોટા નુકસાનો થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારે ગુજરાત પહેલા મહારાષ્ટ્રમાં પણ આ વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હોવાના અહેવાલો મળી રહ્યા છે. વાવાઝોડાને પરિણામે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વાવાઝોડાની પરિણામે જુદી જુદી ઘટનાઓમાં કુલ 14 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલો છે.

મહારાષ્ટ્રમાં વાવાઝોડાના કારણે રાયગઢ જિલ્લામાં ત્રણ, સિંધુદુર્ગમાં એક નાવિકનાં મોત નીપજ્યાં હતા જ્યારે વૃક્ષો પડવાને કારણે નવી મુંબઈમાં બે અને ઉલ્લાસનગરમાં એકનું મોત નીપજ્યું હતું. સિંધુદુર્ગના આનંદવાડીમાં બે બોટ ડૂબી ગઈ હતી. આ સમયે બોટમાં સાત નાવિકો હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું, ત્રણ લાપતા થઈ ગયા છે જ્યારે ત્રણ સલામત છે. વાવાઝોડાના કારણે રાયગઢમાં 1886 મકાનોને આંશિક નુકસાન થયું છે જ્યારે પાંચ મકાનો ધરાશાયી થઈ ગયા હતા. રાયગઢના 8,383 લોકોને પહેલાંથી જ સલામત સ્થળે ખસેડાયા હોવાથી મોટી જાનહાની ટળી હતી. વાવાઝોડાના કારણે રાયગઢમાં 23.42 મીમી વરસાદ પડયો હતો. વાવાઝોડાના કારણે પાલઘર જિલ્લામાં 13 મકાનોને આંશિક નુકસાન થયું હતું. થાણેમાં પણ અનેક મકાનોને નુકસાન થયું હતું.

તો બીજી બાજુ ગુજરાતમાં પણ વાવાઝોડું અથડાતા ગઇ રાતથી જ ભારે પવન 150 કિ.મીની ઝડપે ફુંકાયેલા રહ્યો છે. એટલું જ નહીં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. ગીરસોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે આશરે 200 જેટલા વૃક્ષો ધરાશાયી, ગ્રામ્ય વિસ્તારોમાં અનેક સ્થળોએ વીજ પોલ ધરાશાયી, 80થી 120ના સ્પીડે ફૂંકાયો પવન, વેરાવળના અનેક વિસ્તરાઓમાં લાઈટ બંધ થઈ હતી.અરવલ્લી જિલ્લામાં વાવાઝોડાની અસરથી મોડાસા, મેઘરજ, શામળાજી સહિતના વિસ્તારોમાં વરસાદ, કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ હતી જોકે ગુજરાતમાં વાવાઝોડાને પરિણામે કોઈ ભારે નુકસાનના અહેવાલો તેમજ વાવાઝોડાને પરિણામેે કોઈના મૃત્યુ નિપજ્યાા હોવાના સમાચાર પણ નથી.