ઊંઝા : ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને નબળો પ્રતિસાદ ! AAP ની સભાઓમાં સ્વયંભૂ લોકોની હાજરી

ઊંઝા : ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને નબળો પ્રતિસાદ ! AAP ની સભાઓમાં સ્વયંભૂ લોકોની હાજરી

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : હાલમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોર શોર થી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ઉત્તર ગુજરાતની રાજનીતિનું કેન્દ્ર ગણાતા ઊંઝામાં આ વખતે જબરદસ્ત ત્રિકોણીય જંગ જામ્યો છે. જેમાં કોંગ્રેસે નબળો ઉમેદવાર મેદાનમાં ઉતારતા હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો જંગ જામ્યો છે. જેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા જોર શોર થી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મતદારોને રીઝવવા માટે અલગ અલગ પ્રકારની યુક્તિઓ અજમાવવામાં આવી રહી છે.

ઊંઝા વિધાનસભા વિસ્તારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન વડનગર પણ આવે છે. ત્યારે ઊંઝા શહેર અને તાલુકા ઉપરાંત વડનગર શહેર અને તાલુકાના મતદારો પણ ઊંઝા વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. જોકે આ વખતે શહેર કરતાં ગામડાઓનું દ્રશ્ય કંઈક અલગ પ્રકારનું જોવા મળી રહ્યું છે. જેમાં શહેરી વિસ્તાર ઊંઝા અને વડનગરને બાદ કરતાં ઊંઝા તાલુકા અને વડનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને ક્યાંક ને ક્યાંક નબળો પ્રતિસાદ મળી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

ભાજપ દ્વારા હાલમાં શહેરી વિસ્તારમાં જોર શોર થી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ઊંઝા શહેર અને વડનગર શહેરમાં ભાજપે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મૂક્યું છે તો આમ આદમી પાર્ટી દ્વારા પણ તેના મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પરંતુ ભાજપે શહેરી વિસ્તારને જ ફોકસ કર્યું છે. જ્યારે આમ આદમી પાર્ટી એ પ્રચારની એક નવી જ રણનીતિ અપનાવીને પ્રચારની બાબતમાં પણ ભાજપને પાછળ છોડી દીધું હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવતી જાહેર સભાઓમાં લોકો સ્વયંભૂ પડતા નજરે ચડે છે, જ્યારે ભાજપની સભાઓમાં લોકોની હાજરી ખૂબ જ પાંખી જોવા મળે છે. ત્યારે જોવુ એ રહ્યું કે હવે મતદારો ઊંઝા વિધાનસભા સીટ પર કોના પર પસંદગી ઉતારશે ?