Exclusive : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપમાં કોને મળશે ટીકીટ ? સી.આર.પાટીલે ટીકીટ ફાળવણીને લઈ આપ્યા સ્પષ્ટ સંકેત

Exclusive : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપમાં કોને મળશે ટીકીટ ? સી.આર.પાટીલે ટીકીટ ફાળવણીને લઈ આપ્યા સ્પષ્ટ સંકેત

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :   સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ભાજપના મેન્ડેડ ઉપર ચૂંટણી લડવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સુકતા દેખાઈ રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ટિકિટ મળે તે માટે ટિકિટ વાંચ્છુઓએ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની ઓફિસ સુધી લોબિંગ શરૂ કરી દીધું છે અને બાયોડેટા લઈને ખુદ પ્રદેશ અધ્યક્ષ ને આપવા માટે ટિકિટમાં વાંચ્છુકો પડાપડી કરી રહ્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ટીકીટ કોને મળશે તેને લઈને સીઆર પાટીલે સ્પષ્ટ સંકેતો આપી દીધા છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની સુરત ખાતેની ઓફિસ પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા ઇચ્છતા અનેક ટિકિટ વાંચ્છુઓની ભારે ભીડ જોવા મળી હતી. જેમાં બાયોડેટા લઈને સી.આર.પાટીલ ને મનાવવા માટે ના પ્રયત્નો થતા હોવાનું પણ જોવા મળ્યું હતું. ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સ્પષ્ટ સંકેતો આપતા જણાવ્યું હતું કે સંગઠનમાંથી આવતા નામો પર જ માત્ર વિચાર કરવામાં આવશે. એટલું જ નહીં પરંતુ સાચા અર્થમાં જે લોકોએ પેજ કમિટી બનાવી હશે, તેમજ સરકારની યોજનાઓ ને ઘર-ઘર સુધી પહોંચાડવાનું પાયાનું કાર્ય કર્યુ હશે તેવા ઉમેદવારોને ટિકિટ આપવા માટે પ્રથમ પસંદગી કરવામાં આવશે.

જો કે સી આર પાટીલ ની સૌથી મહત્ત્વની ખાસિયત એ છે કે તેઓ દરેક કાર્યકર્તા ની રજુઆતોને શાંતિથી સાંભળતા રહે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સુરત ખાતેની તેમની ઓફિસ ઉપર કાર્યકરોનો ધસારો પણ સતત વધી રહ્યો છે. ટિકિટ મેળવવા માટે લોબિંગ શરૂ થઈ ગયું છે. જોકે અલગ સ્ટાઇલ થી કામ કરવા ટેવાયેલા સી આર પાટીલ ના નેતૃત્વમાં આ વખતે ટિકિટ ફાળવણીમાં કોઈપણ પ્રકારની લાગવગશાહી ચાલે એવું દેખાતું નથી. સ્થાનિક લેવલીથી જ સંગઠન દ્વારા મોકલાયેલા નામો પર જ ચર્ચા કરવામાં આવી શકે છે. એટલું જ નહીં સ્વચ્છ છબી ધરાવતા પાયાના કાર્યકરોને પ્રથમ પસંદગી આપવાના સ્પષ્ટ સંકેતો સીઆર પાટીલે આપ્યા છે.