રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત, 21 દિવસની રહેશે રજા

રાજ્યની શાળાઓમાં દિવાળી વેકેશનની જાહેરાત,  21 દિવસની રહેશે રજા

Mnf net work: દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજ્યની શાળામાં દિવાળી વેકેશનની જાહેરાત કરી છે. રાજ્યની શાળાઓમાં 9 નવેમ્બરથી દિવાળી વેકેશન રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરાયેલ શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે દિવાળી વેકેશન 9 થી 29 નવેમ્બર એટલે કે 21 દિવસનું રહેશે. 

 બીજી તરફ આજે શૈક્ષણિક ક્ષેત્રે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં એડમિશન માટે એક કોમન પોર્ટલ “ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS)” કાર્યરત રહેશે. સરકારી યુનિવર્સિટીઓના તમામ અભ્યાસક્રમો, ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને આવરી લેતી શરૂઆતથી અંત સુધીની એડમિશન પ્રક્રિયાને સંચાલિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સરળ અને સુરક્ષિત એપ્લિકેશન વિકસાવવામાં આવી છે.

મંત્રીએ ઉમેર્યું હતું કે, ઓડીટ ટ્રેઈલ દ્વારા ડેટામાં કરવામાં આવતા તમામ સુધારાની સંપૂર્ણ જાળવણી આ પોર્ટલ મારફત કરી શકાશે. હાલમાં દરેક વિદ્યાર્થી સરેરાશ રૂ. ૫૦૦ ખર્ચીને અંદાજે પાંચ કોર્સમાં અરજી કરે છે, તેની જગ્યાએ હવે GCAS દ્વારા નજીવી ફી માં અમર્યાદિત યુનિવર્સિટી કે કોર્સમાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.