હવે કોઈની પણ નજીકજવાનું મન થતું નથી!

હવે કોઈની પણ નજીકજવાનું મન થતું નથી!

Mnf network:  સંબંધમાંથી પણ ઘણી વખત મન ઊઠી જતું હોય છે. આપણે જેને પોતાના માન્યા હોય, જેના માટે આપણે કંઇ પણ કરવા તૈયાર હોઇએ એ વ્યક્તિ જ્યારે આપણી સાથે બદમાશી કરે ત્યારે સંબંધ ઉપરથી ભરોસો ઊઠી જાય છે.

આપણને એવો સવાલ થાય છે કે, આ સંબંધ આટલો તકલાદી હતો? ઘણા લોકો તકવાદી હોય છે, એના સંબંધ તકલાદી જ નીવડતા હોય છે. સંબંધને ટકોરા મારીને તપાસી શકાતો નથી, સંબંધ રણકે છે કે બોદો છે એની આગોતરી જાણ પણ થઇ શકતી નથી. સંબંધ સમય આવ્યે પરખાતો હોય છે. આપણે જેના પર આંખ મીંચીને ભરોસો કરતા હોઇએ એ જ આપણી આંખો પહોળી થઇ જાય એવાં પરાક્રમો કરતાં હોય છે. એક વ્યક્તિ જ્યારે ચિટ કરે ત્યારે આપણને એવું લાગવા માંડે છે કે, આ દુનિયામાં કોઈ પર વિશ્વાસ રાખવા જેવું છે જ નહીં, બધા સ્વાર્થી અને બદમાશ છે. એક યુવાનની આ વાત છે. તેની સાથે એક નજીકની વ્યક્તિએ બદમાશી કરી. યુવાનને બહુ આઘાત લાગ્યો. તેણે પોતાના મિત્રને કહ્યું કે, દુનિયામાં કોઈનો ભરોસો કરવા જેવો નથી. આ વાત સાંભળી તેના મિત્રએ કહ્યું, એક માણસે એવું કર્યું એમાં આખી દુનિયાને દોષ દેવાનો? એ યુવાને જવાબ આપ્યો, હા, કારણ કે હું એને મારી દુનિયા સમજતો હતો. એ માંગે એ હું આપી દઉં અને એણે જ મારી સાથે આવું કર્યું? અજાણ્યો માણસ લૂંટી જાય ત્યારે બહુ ફેર પડતો નથી પણ નજીકનો કોઇ લૂંટી જાય ત્યારે દિલ તૂટી જાય છે. લૂંટ માત્ર નાણાંની નથી હોતી, લૂંટ વિશ્વાસની હોય છે, લૂંટ ભરોસાની હોય છે! આપણા માટે શ્રદ્ધા જ અમૂલ્ય હોય છે. સંબંધ પરથી શ્રદ્ધા ઊઠે ત્યારે બહુ આકરું લાગતું હોય છે. 

માણસે પોતાની જિંદગી સરસ રીતે પસાર કરવી હોય છે. પોતે પણ મજામાં રહેવું હોય છે અને પોતાના લોકોને પણ મજામાં રાખવા હોય છે. બધાના ચહેરા પર આનંદ જ જોવો હોય છે. જોકે, ક્યારેક નજીકની વ્યક્તિ જ એવું કરે છે કે, આપણા ચહેરાનો આનંદ પણ ઓસરી જાય. એક છોકરીની આ વાત છે. એનું એક ગ્રૂપ હતું. બધા સાથે મજા કરતા હતા. એક વખતે તેની એક ફ્રેન્ડે તેના નામે ખોટી વાતો ઉડાડી. આ ઘટનાથી તેને લાગી આવ્યું. થોડા સમય પછી ગ્રૂપના બધા ફ્રેન્ડ્સે ટ્રીપ પ્લાન કરી. એ છોકરીને પણ આવવા કહ્યું. તેણે ના પાડી. મારે નથી આવવું. તેની ફ્રેન્ડે પૂછ્યું કે, કેમ શું થયું? એ છોકરીએ કહ્યું કે, આપણા ગ્રૂપની દરેક વ્યક્તિને હું પોતાના સમજતી હતી પણ એક-બે લોકોએ જે વાતો ફેલાવી એના કારણે મારું મન ઊઠી ગયું છે. હવે કોઇની નજીક જવાનું મન નથી થતું. સાચું કહું તો કોઇની નજીક જવામાં પણ ડર લાગે છે. પાછું હર્ટ થશે. પોતાના લોકો હર્ટ કરે ત્યારે બહુ પેઇન થાય છે. સહન નથી થતું. વિચાર આવી જાય છે કે, કોઇનું કંઇ નથી બગાડ્યું તો પછી મારી સાથે કેમ આવું થાય છે? આ વાત સાંભળીને તેની ફ્રેન્ડે કહ્યું કે, આવું તો જિંદગીમાં થતું જ રહેવાનું છે. એ જ તો આપણને શીખવે છે કે, કોણ આપણું છે અને કોણ પરાયું છે. આપણી નજીકના લોકોથી જ ઘણી વખત આપણે સહન થતાં હોતા નથી. કોને કેવી ઈર્ષા થતી હોય એ આપણને ખબર હોતી નથી. આપણા મોઢે સારા હોય એ જ આપણી પાછળ આપણી ઘોર ખોદતા હોય એવું બની શકે છે. 

લોકોના જાતજાતના અનુભવો આપણને મેચ્યોર બનાવતા હોય છે. બદમાશ લોકો જ આપણને એ શીખવાડતા હોય છે કે, એક હદથી કોઇના પર ભરોસો કરવો જોખમી છે. કોઇ સંબંધ પર તરત જ લેબલ નહીં મારી દેવાનું કે આ મારો બેસ્ટ ફ્રેન્ડ છે કે આ વ્યક્તિ મારી વિશ્વાસુ છે. સમય જવા દો, સમય ઘણા સવાલોના જવાબ આપતો હોય છે. સંબંધને પણ પાકવા દેવો પડતો હોય છે. ખાતરી થાય પછી જ કોઇ સંબંધને ગાઢ બનાવવો જોઇએ. નજીક બધાની રહો પણ વરસી પડવાની કંઇ જરૂર નથી. દરેક સંબંધમાં એટલું ડિસ્ટન્સ રાખવું જોઇએ જેથી જરૂર પડ્યે આસાનીથી દૂર થઈ શકાય. આપણી જિંદગીમાં ઘણા લોકો આપણને હર્ટ કરવા માટે જ આવતા હોય છે. માણસ સમજાય, ઓળખાય અને પરખાય ત્યાં સુધી એ સંબંધમાં આગળ વધવાની કોઈ ઉતાવળ કરવા જેવી હોતી નથી. પસ્તાવું ન હોય તો પારખતા શીખવું પડે છે. માણસ બહુ ગૂઢ છે. એ ઘડીકમાં ક્યાં વર્તાતો હોય છે. માણસનો સાચો રંગ સંકટના સમયે જ પ્રગટ થતો હોય છે. દરેક માણસ સારો હોય એવી અપેક્ષા જ વધુ પડતી છે. 

સંબંધના મામલામાં એક બીજી વાત પણ યાદ રાખવા જેવી છે. કોઇ એક વ્યક્તિનો ખરાબ અનુભવ થયો એટલે બધા જ બૂરા છે એવું માની લેવાની કોઇ જરૂર નથી. સારા માણસને અલગ તારવવા પડતા હોય છે. એક વ્યક્તિની આ સાવ સાચી વાત છે. તેની નજીકની એક વ્યક્તિએ તેની સાથે બદમાશી કરી. એ યુવાનને એટલો બધો આઘાત લાગ્યો કે, એણે નક્કી કરી લીધું કે હવે કોઇની સાથે સંબંધ જ નથી રાખવો. હું ભલો અને મારું કામ ભલું. એ એકલો રહેવા લાગ્યો. ધીમેધીમે થયું એવું કે, એને દરેક વ્યક્તિ પર શંકા જવા લાગી. આ માણસ પણ પેલાએ કર્યું એવું કરશે તો? તેનો એક મિત્ર હતો. તેણે એ યુવાનને કહ્યું કે, આ તું શું કરી રહ્યો છે? એકલો એકલો ફરીશ તો ગાંડો થઇ જઇશ. એક વાત યાદ રાખ કે, આપણે માણસ છીએ. આપણને માણસની જરૂર પડવાની જ છે. ખરાબ સમયમાં પણ અને સારા સમયમાં પણ. મજા પણ સરવાળે તો આપણને આપણા લોકો સાથે જ આવવાની છે. માણસથી ભાગવાની કોઇ જરૂર નથી. દુનિયામાં સારા માણસ નથી એવો વિચાર જ ખોટો છે. 

ઘણી વખત આપણને સારા માણસ મળ્યા હોતા નથી, ક્યારેક મળી ગયા હોય તો આપણે તેને ઓળખી શકતા નથી. એક માણસ સંત પાસે ગયો. તેણે કહ્યું, મને કોઇ સારો માણસ મળ્યો જ નથી, બધાએ મારી સાથે બદમાશી જ કરી છે, બધાએ મારો લાભ જ ઉઠાવ્યો છે. સંતે સવાલ કર્યો કે, બધાએ એવું કર્યું છે? એ માણસે કહ્યું કે, હા બધાએ નાલાયકી જ કરી છે. સંતે કહ્યું, જો એવું હોય તો વાંક તારો છે! તને જ માણસ પસંદ કરતા આવડતું નથી. એકાદ અથવા તો બે-ચાર માણસ ખરાબ હોય શકે પણ જો બધા જ ખરાબ મળ્યા હોય તો સમજવું કે આપણને માણસને ઓળખતા જ નથી આવડતું. જિંદગી સારી રીતે જીવવા માટે એ શીખવું પણ જરૂરી છે કે, હું જેની નજીક છું અથવા તો જેની નજીક જઇ રહ્યો છું એ માણસ કેવો છે? કોઇ માણસ કાયમ માટે નાટક કરી શકતો નથી, માણસ એક તબક્કે તો જેવો હોય એવો દેખાઇ જ આવતો હોય છે. આપણી નજર શાર્પ રહેવી જોઈએ કે કોનો ભરોસો કરવા જેવો છે અને કોનો ભરોસો કરવા જેવો નથી. જે માણસ કોઇનો થયો હોતો નથી એ આપણો પણ થવાનો નથી. માણસનું વર્તન અને તેની વાત તેનું પોત કેવું છે એ પ્રગટ કરી દે છે. માણસ કોના માટે કેવા શબ્દો વાપરે છે, કોની સાથે કેવું વર્તન કરે છે એ ચેક કરતાં રહેવું પડે છે. સારો માણસ હોય એ બધા સાથે સારી અને સરખી ભાષા વાપરશે અને સારું વર્તન કરશે. કેટલાંક માણસો માણસ જોઈને ભાષા વાપરે છે. ક્યાંક જી જી કરતા હોય છે અને ક્યાંક તોછડાઈનો કોઇ પાર રહેતો નથી. માણસનાં વાણી અને વર્તન જોઈને આપણને સમજાઇ જવું જોઇએ કે આની પડખે જવું કે નહીં? સુખી રહેવા માટે સાવધાન તો રહેવું જ પડે છે!