લાયસન્સ હેલ્મેટ વગરના છાત્રોને ભવન-કોલેજમાં નો એન્ટ્રી

લાયસન્સ હેલ્મેટ વગરના છાત્રોને ભવન-કોલેજમાં નો એન્ટ્રી

Mnf network: કોલેજોના ગેટ પાસે જ સિક્યુરિટી એજન્સી દ્વારા કરાશે ચેક: કડક અમલ કરવા શૈક્ષણિક સંસ્થાઓને તાકીદ: સપ્તાહમાં બે કલાક ટ્રાફિક અવેરનેસના વર્ગ યોજાશે

ટ્રાફિકના નિયમનો ભંગ સૌથી વધારે યુવાનો કરી રહ્યા છે અને સરકારના નિયમનો ઉલાળ્યો કરી લાયસન્સ તેમજ હેલ્મેટ વગર બેદરકારી પુર્વક વાહન ચલાવતા હોય છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને લાયસન્સ હેલ્મેટ વગર ભવનો અને કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે તેમજ યુનિવર્સિટી અને કોલેજોના ગેટ પાસે જ સિકયુરીટી એજન્સી દ્વારા ચકાસણી કરવામાં આવશે 

  આગામી દિવસોમાં કોલેજો અને ભવનમાં અઠવાડીયામાં બે કલાક ટ્રાફિક અવરનેસ અંગે માર્ગદર્શન આપવામાં આવશે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુસ્તિકા પણ આપવામાં આવશે. 

રાજકોટ શહેર ટ્રાફિક શાખા અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનવર્સિટી ખાતે રોડ સેફ્ટીના મહત્વ સંદર્ભે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ડી.સી.પી. પૂજા યાદવ, એ.સી.પી. જે.બી.ગઢવી, આર.ટી.ઓ. કે.એમ.ખપેડ અને જે.વી. શાહ દ્વારા આશરે 300થી વધુ વિદ્યાર્થીઓને હેલ્મેટ, સીટબેલ્ટ, ટ્રાફિકના નિયમો વિશે સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઓવર સ્પીડના કારણે સ્વની સાથે અન્ય નાગરિકના અમૂલ્ય જીવનને ખતરામાં નાખવા કરતા મધ્યમ ગતિએ વાહન ચલાવવા ઉપર આ કાર્યક્રમમાં ભાર મૂકાયો હતો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડો.ગિરીશ ભીમાણી દ્વારા તમામ વિદ્યાર્થી અને પ્રોફેસરને હેલ્મેટ અને સિટબેલ્ટ ફરજિયાત પહેરીને આવવા માટે જણાવાયું હતું.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નવા યુનિવર્સિટી અભ્યાસક્રમમાં ટ્રાફિક એજ્યુકેશન વિષયનો સમાવેશ કરવામાં આવશે. આ તકે શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

મોટાભાગના વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ હોતા નથી જેથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં આવેલી હોસ્ટેલોમાં છાત્રોને લર્નિંગ લાયસન્સ મળે તે માટે આરટીઓનો કેમ્પ યોજાશે અને તેના માટે હાલ આરટીઓ કચેરી સાથે વાતચીત ચાલતી હોય આગામી દિવસોમાં તારીખ જાહેર કરી કેમ્પ કરાશે તેમ કુલપતિએ જણાવ્યું છે.