Exclusive : ઊંઝામાં સીટી બસ સેવા શરૂ કરવા કોણે કરી માંગ ? નગર પાલિકા પ્રમુખે આપ્યો આવો જવાબ

Exclusive : ઊંઝામાં સીટી બસ સેવા શરૂ કરવા કોણે કરી માંગ ? નગર પાલિકા પ્રમુખે આપ્યો આવો જવાબ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા :  એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ ધરાવતી ઉમાનગરી ઊંઝા હવે દિવસે દિવસે રેલ્વે પૂર્વ અને પશ્ચિમ એમ બે દિશામાં વિસ્તરતી જાય છે. જોકે ઊંઝા પાટણ રોડ પર પણ હવે ધીમે ધીમે રહેઠાણ વિસ્તારો વધી રહ્યા છે. તો બીજી બાજુ ઊંઝા થી દાસજ તેમજ વિસનગર રોડ ઉપર પણ રહેઠાણ વિસ્તારો વધી રહ્યા છે. જોકે મોટા ભાગની સરકારી કચેરીઓ માંથી કેટલીક ફાટકની પશ્ચિમ દિશામાં આવેલી છે તો વળી સુપ્રસિદ્ધ જગતજનની મા ઉમિયાનું મંદિરે પૂર્વ દિશામાં આવેલું છે. એટલું જ નહીં પ્રખ્યાત એપીએમસી, તેમજ હોસ્પિટલો પણ ફાટકથી પૂર્વ દિશામાં છે.ત્યારે લોકોને આવવા જવા માટે રીક્ષાનો સહારો લેવો પડે છે. જેને લઇને મસમોટું ભાડું ચૂકવવું પડતું હોય છે, ત્યારે શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવા માટે ઊંઝા નગરપાલિકાના નગરસેવક દીક્ષિત પટેલે પ્રસ્તાવ મૂક્યો છે.

દીક્ષિત પટેલ પત્ર દ્વારા જણાવ્યું છે કે મોટાભાગની મહાનગરપાલીકાઓ અને નગરપાલીકાઓમાં જાહેર જનતાના હિતાર્થે સીટી બસ સુવિધા ચલાવવામાં આવી રહી છે. ઊંઝા શહેર સીટી બસ  સુવિધાથી વંચિત હોઇ જાહેર જનતાને મોટી માત્રામાં રીક્ષા ભાડું ચૂકવવુ પડે છે. ઊંઝા શહેરમાં સૌથી મોટી એપીએમસી આવી છે તથા સુપ્રસિદ્ધ કડવા પાટીદાર કુળદેવી ઉમિયા માતાજી નું મંદિર પણ અહીં છે. જેથી બહારથી આવતા લોકોએ રીક્ષા ભાડું મસમોટું ચૂકવવું પડતું હોય છે. એટલું જ નહીં પરંતુ અહીં રેલવે સ્ટેશન પણ ઊંઝા થી આશરે ત્રણ કિમી દૂર આવેલું છે. તેના પરીણામે રેલ્વે ના પેસેન્જરોએ પણ રિક્ષાનું ભાડું ચૂકવવું પડે છે. આવા સંજોગોમાં સિટી બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવે તો લોકોને પરિવહન સેવામાં સરળતા રહે. જોકે સિટી બસ સેવા શરૂ કરવા માટે ઉંઝા એપીએમસી નો સહયોગ લેવા માટે પણ તેમણે જણાવ્યું છે.

પાલિકા પ્રમુખે શુ કહ્યું ?

ઊંઝા નગરપાલિકાના નગરસેવક દીક્ષિત પટેલે ઊંઝા નગરપાલિકા માં પ્રસ્તાવ મૂક્યો છે કે શહેરમાં લોકોને સરળતાથી સસ્તુ પરિવહન મળી રહે તે માટે સિટી બસ સેવા શરૂ કરવામાં આવે. આ અંગે ઊંઝા નગરપાલિકાના પ્રમુખ રીંકુબેન પટેલને પૂછતા તેમણે મોર્નિંગ ન્યુઝ ફોક્સને જણાવ્યું હતું કે ઊંઝા નગર દિનપ્રતિદિન બંને દિશામાં વિકસી રહ્યું છે. ત્યારે લોકોને આવવા જવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. ઉપરાંત મસમોટું રીક્ષા ભાડું ચૂકવવું પડે છે તેથી સિટી બસ શરૂ કરવાના નગરસેવકના પ્રસ્તાવ ઉપર આગામી સમયમાં વિચારણા કરવામાં આવશે અને આ દિશામાં સકારાત્મક નિર્ણય લેવામાં આવશે.

ધારાસભ્યએ શુ કહ્યું ? 

ઊંઝાના સક્રિય એવા શ્રેષ્ઠ ધારાસભ્ય ડો. આશાબેન પટેલે જણાવ્યું હતું કે નગર પાલિકા દ્વારા નગરના વિકાસ માટે જે નિર્ણય લેવામાં આવશે એમાં ધારાસભ્ય તરીકે મારો સંપૂર્ણ સહયોગ રહેશે.સરકાર દ્વારા શહેરના વિકાસ માટે જે રીતે મદદ મળી શકતી હશે એ દિશામાં હું પૂરો પ્રયત્ન કરીશ. ભાજપ શાસિત નગર પાલિકામાં શહેરના વિકાસની પ્રવૃતિઓમાં 'સૌનો સાથ, સૌનો વિકાસ' સૂત્ર સાર્થક થશે એવી મને ચોક્કસ આશા છે.