world tourism day : ગુજરાતની તો લોટરી લાગી... કોરોના બાદ વિદેશી પ્રવાસીઓની રાફડો ફાટ્યો

world tourism day : ગુજરાતની તો લોટરી લાગી... કોરોના બાદ વિદેશી પ્રવાસીઓની રાફડો ફાટ્યો

Mnf net work: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં સ્થાન પામેલું અમદાવાદ શહેર ગુજરાત આવતા વિદેશી સહેલાણીઓની પ્રથમ પસંદગી બન્યું છે. વર્ષ 2022માં 3.63 લાખ સહેલાણીઓએ અમદાવાદનો ભવ્ય વારસો નિહાળ્યો છે.  વર્ષ 2023માં 8 મહિનામાં 3.53 લાખ પ્રવાસીઓ અમદાવાદની મુલાકાત લઈ ચૂક્યા છે.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે; તો સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશી માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.

આંકડાઓ મુજબ વર્ષ 2021માં માત્ર 11319 વિદેશી પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા કે જેમની સંખ્યા વર્ષ 2022માં 17.17 લાખને આંબી ગઈ હતી. બીજી તરફ વર્ષ 2023ના પ્રથમ 8 મહીનામાં જ 15.40 લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લઈ ચુક્યા છે. એક અંદાજ મુજબ ડિસેમ્બર-2023 સુધી વિદેશી પ્રવાસીઓનો આંકડો 20 લાખ સુધી પહોંચી શકે છે.

2022માં ભારત આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યા 85 લાખ 90 હજારથી વધુ હતી કે જેમાં ગુજરાતમાં આવેલા વિદેશી પ્રવાસીઓની સંખ્યા 17.17 લાખથી વધુ હતી. એટલે કે ભારતમાં આવનાર વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો 20.17 ટકા સાથે સૌધી વધુ રહ્યો છે.

સમગ્ર વિશ્વમાં 27મી સપ્ટેમ્બરના રોજ જ્યારે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થવાની છે, ત્યારે ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન લગભગ ઠપ પડી ગયેલ પ્રવાસન ઉદ્યોગે વર્ષ 2022માં મોટી હરળફાળ ભરી છે. રાજ્યમાં વિદેશી પ્રવાસીઓ માટે ઉપલબ્ધ પૌરાણિક, ઐતિહાસિક, હેરિટેજ તથા ધાર્મિક-આધ્યાત્મિક, પર્યાવરણીય અને સાહસિક પ્રવાસન સ્થળોમાં થઈ રહેલ વધારા તથા રાજ્ય સરકાર દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થાઓના પગલે વિદેશી પ્રવાસીઓ માટે ગુજરાત પ્રથમ પસંદગીનું સ્થળ બનીને ઉપસી રહ્યું છે.