સોશ્યલ મીડિયામાં પાટીલ અને PM મોદીના ફોટો વાળી પોસ્ટને લઈ સર્જાયો વિવાદ : સી.આર.પાટીલે આપી ચીમકી

સોશ્યલ મીડિયામાં પાટીલ અને PM મોદીના ફોટો વાળી પોસ્ટને લઈ સર્જાયો વિવાદ : સી.આર.પાટીલે આપી ચીમકી

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના & દિખા સો લિખા) : થોડાક સમય પહેલા મુખ્યમંત્રી રૂપાણી દ્વારા એક એવું નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતમાં એક પણ દર્દીનું મૃત્યુ ઓક્સિજન ના અભાવે થયું નથી. જો કે મુખ્યમંત્રીના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયામાં તેમ જ મિડિયામાં અનેક તર્ક વિતર્કો શરૂ થયા હતા. ત્યારે હવે સુરતમાં અલગ-અલગ પાર્ટીઓ સાથે જોડાયેલા કેટલાક કાર્યકર્તા, નેતાઓ દ્વારા આ સબંધી લખાણને સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવ્યું છે. જેમાં સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા સરકારનો ઉધડો લેતા હોય તે પ્રકારની કોમેંટસ શરૂ થતાં ભાજપ સફાળું જાગ્યું છે.

સોશિયલ મીડિયામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાનો ઉપયોગ કરીને લખાણ લખવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત એવો એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ ઈન્જેક્શનનો કાળા બજાર થયો નથી. ગુજરાત એવો એકમાત્ર રાજ્ય છે જ્યાં એક પણ નાગરિક હોસ્પિટલ બીલ ના કારણે દેવાદાર નથી થયું. ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી. ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં પ્રાઇવેટ હોસ્પિટલના બિલ પર લગામ લગાવવાનું કાર્ય કર્યું છે. આ પ્રકારના લખાણ સાથે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ ગંભીરતાથી લીધી હતી.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી પોસ્ટને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મીડિયાને જણાવ્યું હતું કે, અમારા ધ્યાન પર આ બાબત આવી છે. અમે તેને ખૂબ ગંભીરતાથી લઇ રહ્યા છીએ. કોરોના સંક્રમણની સ્થિતિને જોતા આ પ્રકારની ખોટી વાતોને વહેતી કરવી એ ગુનાહીત કાર્ય છે. જે વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા ઉપર આ લખાણ લખીને ખોટી માહિતી લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેમની સામે કાયદાકીય પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

અત્રે નોંધનીય છે કે કોરોના કાળ દરમિયાન રૂપાણી સરકાર લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ આપવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ ગઈ હોય તેવો ઘાટ ઘડાયો હતો. હોસ્પિટલોમાં બેડ નહોતા મળતા તો વળી ઇન્જેક્શનના કાળા બજાર થતાં વેન્ટિલેટર નો અભાવ હતો એટલું જ નહીં ઓક્સિજનના અભાવને કારણે પણ ક્યાંક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને સ્મશાનોમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા માટે લાંબુ વેઇટિંગ જોવા મળ્યું હતું. તો વળી ખાનગી હોસ્પિટલોમાં લોકો રીતસર લૂંટાયા હોવાના પણ કિસ્સા છે. ત્યારે પાટિલ દ્વારા સોશિયલ મીડિયામાં સરકારની આકરી ટીકા કરનારાઓ સામે કાયદાકીય પગલાં ભરવાની જે વાત કરવામાં આવી છે તે કેટલે અંશે યોગ્ય છે તે વિચારવું રહ્યું !