PM મોદીએ મુખ્યમંત્રીને વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં મહત્વનો કોર્સ શરૂ કરવા અંગે આપી સલાહ, જાણો શું કહ્યું ?

PM મોદીએ મુખ્યમંત્રીને વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાં મહત્વનો કોર્સ શરૂ કરવા અંગે આપી સલાહ,  જાણો શું કહ્યું ?

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત ( જશવંત પટેલ ) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ વિશ્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવી પહોંચ્યા છે. એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં અધિકારીઓએ સુવિધાઓથી મોદીની અવગત કરાવ્યા હતા. બાદમાં 8 કિમીનો રોડ-શો શરૂ થયો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીનો કોન-વે ડાયમંડ બુર્સ પહોંચ્યો હતો અને અહીં મોદીએ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ડાયમંડ બુર્સને નિહાળ્યું હતું. બાદમાં મોદી સભસ્થળે પહોંચ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે, સુરતે ગુજરાત, દેશને ઘણું બધુ આપ્યું છે. મારા હિસાબે આ શરૂઆત છે, હજી આપણે આગળ વધવાનું છે. હવે ભારતનો ટોપ 3માં સમાવેશ થશે. સરકારે આગામી 25 વર્ષનો ટાર્ગેટ પણ નક્કી કર્યો છે. જેના પર અમે કામ કરી રહ્યા છીએ. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની જવાબદારી વધી ગઈ છે. આ ઇન્ડસ્ટ્રીઝે પણ ટાર્ગેટ નક્કી કરવો જોઈએ કે, આપણે દેશની પ્રગતિમાં કેટલો હિસ્સો રાખવો. સિલ્વર કટ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડમાં આપણે અગ્રેસર છીએ. સુરત નક્કી કરી લે તો જેમ્સ ડાયમંડ જ્વેલરીમાં ડબલ ડિઝીટમાં આવી શકે છે. સરકાર તમારી સાથે છે.

આજે ઇન્ટરનેશનલ લેવલે જે માહોલ ભારતના પક્ષમાં છે. આજ પૂરી દુનિયામાં ભારતની શાખ ટોચ પર છે. મેડ ઇન ઇન્ડિયા એક સશક્ત બ્રાન્ડ બની ગયું છે. આધુનિક કનેક્ટિવ મળવાપાત્ર સુરત દેશનું પહેલું શહેર છે. સુરત આગળ વધશે તો ગુજરાત અને ગુજરાત આગળ વધશે તો મારો દેશ આગળ વધશે. લઘુ ભારત તો સુરત બની ગયું છે. ડાયમંડ બુર્સમાં દુનિયાભરના લોકો આવશે. ત્યારે ભાષાની સમજણ માટે ભારત સરકાર અવશ્ય મદદ કરશે. મુખ્યમંત્રીને સલાહ આપીશ કે, નર્મદ યુનવર્સિટીમાં દેશની અલગ અલગ ભાષાનો કોર્ષ શરૂ કરે. હું વિશ્વાસ રાખું છું કે, આ કોર્ષ શરૂ થશે.