સુરત : વિરોધ પ્રદર્શમાં ભાગ લેવા ગયેલ મેયર વિરુદ્ધ જ નારેબાજી થતા હેમાલી બોઘાવાલા એ ચાલતી પકડી !

સુરત : વિરોધ પ્રદર્શમાં ભાગ લેવા ગયેલ મેયર વિરુદ્ધ  જ નારેબાજી થતા હેમાલી બોઘાવાલા એ ચાલતી પકડી !

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :   પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સત્તા ઉપર આવતાં ભાજપના કાર્યકરો ઉપર હુમલાને લઈને ભાજપ દ્વારા દેશભરમાં તૃણમૂલ કોંગ્રેસના વિરોધમાં વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પુણાગામ સીતાનગર ચાર રસ્તા ખાતે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન માટે સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલા હાજર થતાની સાથે જ સ્થાનિક લોકોએ હોબાળો મચાવી દીધો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે

 સુરતના મેયર હેમાલી બોઘાવાલા વિરોધ પ્રદર્શનમાં હાજર થતાની સાથે જ " હાય રે, મેયર.. હાય હાય"ના નારા લાગ્યા હતા. પરિસ્થિતિ પારખી જતાં મેયર તત્કાળ વિરોધ પ્રદર્શન છોડીને રવાના થયા હતાં. સૂત્રોચ્ચાર શરૂ થતાં મેયર શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા.તેમણે કોઈ પણ ભાજપના કાર્યકર્તા સાથે વાત કરવાનું ટાળીને સીધા પોતાની ગાડીમાં બેસીને રવાના થઇ ગયા હતા.

આ બાબતે સુરત કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયાએ જણાવ્યું કે, શહેરમાં કોરોના સંક્રમણને કારણે ટપોટપ મોત થઈ રહ્યા છે. તેને અટકાવવાને બદલે મેયર આ રીતે વિરોધ પ્રદર્શનમાં પોતાનો સમય વેડફી રહ્યા છે.આ સમયે વિરોધ પ્રદર્શન કરવાનો નહીં. પરંતુ પોતાના શહેરના લોકો માટે જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની વાત કરવામાં આવી હતી.કોર્પોરેશનના જુના કોન્ટ્રાક્ટ પર લેવાયેલા તબીબો હડતાળ પર ઊતરતાં હેલ્થ સેવા ઉપર અસર થઇ રહી છે.તેવા મહત્વના પ્રશ્નો ઉકેલવા ને બદલે તૃણમુલ કોંગ્રેસનો વિરોધ કરીને મેયર હજી પણ પોતાની રાજનીતિ ચાલુ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવા સમયે આ પ્રકારનો વિરોધ પ્રદર્શન કેટલે અંશે યોગ્ય ગણાય ?