સોશ્યલ મીડિયામાં સરકારની આકરી ટીકા : મહામારીમાં દવા, રસી અને સારવારને લઈ ગુજરાતીઓ રામ ભરોસે !

સોશ્યલ મીડિયામાં સરકારની આકરી ટીકા : મહામારીમાં દવા, રસી અને સારવારને લઈ ગુજરાતીઓ રામ ભરોસે !

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  કોરોના કાળમાં રૂપાણી સરકારની લાલિયાવાડી બહાર આવી છે. સરકાર લોકોને આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ નીવડી છે છતાં પણ મુખ્યમંત્રી મીડિયાની સામે એવું કહેતા ફરે છે કે ગુજરાતમાં એક પણ હોસ્પિટલમાં ઓક્સિજન ના અભાવે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી.કોણ જાણે કેમ મુખ્યમંત્રી કદાચ ગુજરાતની વાસ્તવિક પરિસ્થિતિથી આટલા અજાણી કેવી રીતે હોઈ શકે ? હકીકત એ છે કે ગુજરાતમાં જનતા રામભરોસે છે.

અમદાવાદ શહેરમાં આ વખતે મોટાભાગના નવા અને બિનઅનુભવી કોર્પોરેટરો ચૂંટાઇ આવ્યા છે. મહામારી ટાણે તેમની ભુમિકા કેવી હોવી જોઇએ, તેઓએ કઇ રીતે લોકો વચ્ચે જઇને મુસીબતનો સામનો કરવો અને લોકોને રાહત મળે તે માટે કયા પગલા ભરવા, અધિકારીઓ સાથે કઇ રીતે કામ લેવું  તે બાબતે તેઓમાં સુઝબુઝની ઉણપ હોવાનું લોકો માની રહ્યા છે.

પૂર્વ અમદાવાદમાં મોટાભાગના અર્બન હેલ્થ સેન્ટરોમાં રસીકરણ ઉપરાંત ડાયાબિટીશ, ટીબી સહિતના રોગોમાં દવા લેવા માટે લાંબી લાઇનો લાગી છે. શારદાબેન, એલ.જી., વી.એસ. સહિતની મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો કોવિડ દર્દીઓ માટે ફાળવાતા ત્યાં ઓપીડી બંધ પડી છે. તેવામાં નાના અર્બન હેલ્થ સેન્ટરોમાં ગરીબ-મધ્યમવર્ગ દવા-રસીઓ માટે વહેલી સવારથી લાંબી લાઇનોમાં લાગ્યો છે. દવા અને કોરોનાની રસી માટે રોજ સવાર પડયે લોકો ફાંફે ચઢે છે.

તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં સરકારની અને સરકારના  પ્રતિનિધિઓની આકરી ટીકા થઈ રહી છે. મહામારીની આવી પડેલી આ મુશ્કેલ ઘડીમાં મોટાભાગના જન પ્રતિનિધીઓ જનતાને રામભરોસે મૂકીને છૂમંતર થઇ ગયા હોય તેવા અનુભવો લોકોને થઇ રહ્યા  છે. કોરોનામાં બેડ, ઓક્સિજન સિલિન્ડર, રેમડેસિવિર ઇન્જેક્શન કે પછી ટેસ્ટિંગ, રસીકરણ માટે લોકો અંધારામાં અથડાતા લોકો જ્યારે મદદ માટે જનપ્રતિનિધીઓ સમક્ષ જાય છે તો તેઓના કામ થતા નથી. કેટલાક કિસ્સામાં અપમાન થઇ રહ્યા છે.  મદદના નામે  ઠાલા આશ્વાસનો મળી રહ્યા હોવાની લોકોની ફરિયાદો ઉઠી છે.

સોશિયલ મીડિયામાં એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે, ચૂંટણી ટાણે ઉમેદવારે પ્રચાર કરવો હોય તો  હજારો કાર્યકરોની ફોજ રોડ પર ઉતરી આવે છે. આ આખી  ફોજ જાણે પાંચ વર્ષ લોકોની તન, મન અને ધનથી સેવા જ કર્યે રાખશે, તેમની આંખોમાં આંસુ આવવા નહીં દે અને તેમના દુખે દુખી અને સુખે સુખી થશે તેવા ઉઘાડી આંખે અને ધોળા દિવસે બતાવેલા સ્વપ્ન જોઇ મંત્રમુગ્ધ થઇ ગયેલી જનતાને હવે ખ્યાલ આવી રહ્યો છે કે તેઓ કેવી રીતે છેતરાઇ ગયા છે.